top of page

સિદ્ધાંતો ના અર્ક – નરેશભાઈ ની કહાની

ભોલાભાઈ ડાભી અને અનીશ મોહન

Updated: Feb 14, 2023


જ્યારે જ્ઞાન સંસાધનોની શોધ કરીને અને તેનો ઉપયોગ કરીને ખેડૂતોના રાસાયણિકમાંથી સજીવ ખેતી તરફ વળવું સામાન્ય છે, ત્યારે નરેશભાઈની વાર્તા નવીનતા અને કોઠાસૂઝ ની છે. શરૂઆતમાં જૈવિક જંતુનાશકો સાથે નિષ્ફળતા પર, સજીવ ખેતીના સિદ્ધાંતોની તેમની સમજનો ઉપયોગ કરીને, તેમણે સફળ વૃદ્ધિ અને જીવાતથી બચવા માટે પોતાના અર્કની રચના કરી.


એક સમય એવો હતો જ્યારે રાસાયણિક ખેતીમાં કોઈ ખેડુત અવનવા પ્રયોગ કરે તો આસપાસનાં ખેડૂતો તે ખેતરની મુલાકાત લઈને માર્ગદર્શન મેળવી ખેતી કરતાં પરંતુ હવે તેમાં બદલાવ આવ્યો છે. ખેતીમાં રાસાયણિક ખાતરનો ખૂબ જ ઉપયોગ કરવાથી જમીન બંજર બની ગઈ છે. આથી ઉત્પાદનમાં પણ ઘટાડો આવ્યો છે. ખેડૂતને જેટલી આવક થાય એટલો તો તેનો ખર્ચ થાય છે. આથી ખેડુત દેવાદાર બન્યા છે. આથી છેલ્લાં બે વર્ષમાં ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધ્યો છે. જે ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં સફળ થયા છે. તેની માહિતી અને મુલાકાત લઈને ખેડૂતો સજીવ ખેતી કરતાં થયા છે. તેવા જ એક ખેડુત જે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના નાના એવાં ઇંગરોળા ગામનાં જેવો કશું જ ભણેલા ન હોવા છતાં પણ ખેતીમાં સારી એવી સફળતા ધરાવતા ખેડુત નરેશભાઈ રાદડીયા પોતાની કોઠાસૂઝ દ્વારા વનસ્પતિના પાંદડા, ફૂલ, ફળ, ગૌમૂત્ર, ગાયનું છાણ વગેરેમાંથી વિવિધ અર્ક અને જૈવિક ખાતર બનાવીને તેનો ખેતીમાં ઉપયોગ કરીને ખૂબ જ સારું એવું ઉત્પાદન મેળવી રહ્યાં છે. આ ખેડુતની સફળતા જોઇને ઘણા ખેડૂતો અને યુનિવર્સિટીના (જૂનાગઢ, આનંદ) માણસો તેમની મુલાકાત લઈ રહ્યા છે. આ અંગે માહિતી આપતાં નરેશભાઈ રાદડીયા જણાવે છે:


પરિચય

મારી સજીવ ખેતીની સફળતા એ છે કે પહેલા જ્યારે હું આ વનસ્પતિનાં અર્ક બનાવીને ખેતીમાં ઉપયોગ કરતો હતો ત્યારે ગામનાં લોકો મને ગાંડો સમજતા હતાં. પરંતુ ત્યારબાદ મારી ખેતીમાં સફળતા અને વધુ ઉત્પાદન અને ઓછા ખર્ચ ખેતી જોઈને ખેડૂતો મારા ખેતરની મુલાકાત લઈ રહ્યા છે. મારે રાસાયણિક ખેતીનાં ઉત્પાદન કરતાં અત્યારે સજીવ ખેતીમાં ઉત્પાદન વધુ મળે છે. ખર્ચ પણ ખૂબ જ ઓછો થાય છે. હું મગફળીની ખેતી કરું છું અને તેનું મૂલ્યવર્ધન કરીને મગફળીનું તેલ બનાવું છું. આથી મારે ક્યાંય પણ માર્કેટિંગ કરવાં પણ જવું પડતું નથી. અને મારા આ મગફળીનાં તેલનાં ભાવ બજારભાવ કરતાં પણ 30% વધુ ભાવ મળી રહે છે. મારે આ ઓર્ગેનિક મગફળીનાં તેલનું એક વર્ષ પહેલાં જ તેના ઓર્ડર આવવાનું ચાલુ થઈ જાય છે.


હું છેલ્લાં 6 વર્ષથી સજીવ ખેતી કરું છું. મારી પાસે 5 એકર જમીન છે. અને તેમાં મગફળી, કપાસ, ચણા અને ઘઉંનું વાવેતર કરી રહ્યો છું. પહેલાં જ્યારે અમે રાસાયણિક ખેતી કરતાં ત્યારે પહેલા ઉત્પાદન તો સારું એવું મળતું પણ ખર્ચો પણ એટલો જ થતો અને સરવાળે કશું જ ન મળે. ત્યાર બાદ ધીમે-ધીમે ખાતરનો ઉપયોગ વધતો ગયો અને શરૂઆતમાં જે ઉત્પાદન આવતું તેમાં પણ ધીમે ધીમે ઘટાડો થવા લાગ્યો.

સજીવ ખેતી તરફ પગલાં

આવી પરિસ્થિતિ જોઈને મને ખેતી ઉપર અરૂચી આવી ગઈ હતી. ત્યારબાદ અમે સજીવ ખેતી કરવાનું શરૂ કર્યું. મારી દીકરીએ અને મેં પોતાની કોઠાસૂઝ દ્વારા વનસ્પતિના પાંદડામાંથી ફળ, ફૂલ અને ગ્રોથ માટેનો અને જંતુનાશક એવો મહુડાનો અર્ક બનાવ્યો. અને સલ્ફર યુક્ત ખાતર અને પોટાશ યુક્ત ખાતર બનાવ્યું અને જીવામૃતનો ઉપયોગ કરવાનું ચાલું કર્યું. આ પદ્ધતિમાં જો મહેનત કરીએ તો ઉત્તમ પરિણામ મળે. સજીવ ખેતીમાં કૃષિ-પેદાશોની ગુણવત્તા સારી હોવાથી આરોગ્ય પણ સારું રહે છે. જમીનમાં અળસિયા ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે અને ઉનાળામાં પણ અળસિયાં જોવા મળે છે. જમીન પોચી અને ભરભરી બની છે. સીંચાઈનું પ્રમાણ પણ ઘટાડો થયું છે.


અર્ક ની સફળતા

મારું એવું કહેવું છે કે સુભાષ પાલેકર પદ્ધતિ દ્વારા જે દશપર્ણી અર્ક બનાવવામાં આવે છે, તે કાચું અર્ક છે. મેં આ દશપર્ણી અર્ક એક પંપમાં 1 લીટર નાખીને છંટકાવ કર્યો હતો છતાં પણ મને તેનું પરિણામ મળ્યું ન હતું. આથી હું પોતાની રીતે અર્ક બનાવવું છું અને ઉપયોગ કરું છું. આ અર્ક બનાવવા માટે હું મારાં શેઢે સિતાફળી, લીંબડો, નગડ વગેરેનું વાવેતર કરું છું.

નરેશભાઇ પોતાની રીતે બનાવે છે.

હવે રાસાયણિક ખેતી અને સજીવ ખેતી ખર્ચ અને ઉત્પાદનની તુલના કરીએ તો. મારા ભાઈ જે 12 એકરમાં રાસાયણિક ખેતી કરે છે અને તેઓ એકરે 2 થેલી યુરિયા અને DAP નાખે છે. અને હું 5 એકરમાં આ મારી રીતે બનાવેલ જૈવિક ખાતર અને અર્કોનો ઉપયોગ કરું છું. છતાં પણ તેના 12 એકર માં જેટલું ઉત્પાદન મેળવે છે એટલું જ ઉત્પાદન હું 5 એકર માંથી મેળવું છું. મારે એક વીઘામાંથી મગફળી 35-40 મણ, એક વીઘામાંથી કપાસ 45 મણ અને ચણા 38 મણ ઉત્પાદન મળે છે. મારા ભાઇને આ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ખર્ચ 35-40 હજાર જેટલો થાય છે. જ્યારે મારે આ અર્ક અને ખાતર બનાવવા માટે 15-18 હજાર સુધીનો થાય છે. અને મારી વાર્ષિક આવક 5.5-6 લાખ છે. (1 મણ (40 શેર) -37.324Kg)


મારી આ પ્રાકૃતિક ખેતીમાં સફળતા એ છે કે લોકો (ખેડૂતો) પહેલાં મને ગાંડો માનતા હવે ખેડુતો મારી મુલાકાતે આવે છે અને માહિતી મેળવે છે. માત્ર પહેલા બે વર્ષ માટે થોડું ઉત્પાદન ઘટયું. જમીન ફળદ્રુપ બની છે. હવે જો ખેડૂતોએ ખેતીને ટકાવવી હોય અને માનવજાતને નવા નવા રોગોથી બચાવવા હોય તો રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓથી ખેતીને મુક્ત કરવી પડશે અને તે માટેનો માત્ર સજીવ ખેતી જ વિકલ્પ છે.

ફાલ, ફૂલ અને ગ્રોથ માટેનો અર્ક - દ્રાક્ષ અને ખજૂરનો અર્ક.

સામગ્રી

· ખજૂર અને સૂકી દ્રાક્ષ,

· લીંબોળીના ઠળિયાનો પાઉડર,

· સીતાફળના ઠળિયાનો પાઉડર અને પાન

· પાકી લીંબોળી

આ સામગ્રીને 30L થી 35 L પાણીમાં મિશ્રણ કરવું અને બરાબર હલાવવું. અને જ્યારે 8 થી 10 માં આથો આવે ત્યારે તેને ગરમ કરવું (ભઠ્ઠી દ્વારા) વરાળ નીકળે ત્યાં સુધી ગરમ કરવું અને જ્યાં વરાળ ઠરે એ પ્રવાહી એક પાત્રમાં એકઠું કરવું. આ છે દ્રાક્ષ અને ખજૂરનો અર્ક.


ઉપયોગ

આ અર્ક સિઝનમાં ત્રણ-વાર છંટકાવ કરવું જોઈએ. પહેલા છટકાવમાં પંપમાં 50mL, બીજા છંટકાવ 100mL, ત્રીજા છંટકાવ 150mL નો કરવો. જ્યારે પાક ફૂલ અવસ્થાએ આવે છે ત્યારે આનો છંટકાવ કરવાથી પાકમાં ફ્લાવરિંગ અને પાકનો ગ્રોથ ખૂબ જ સારો થાય છે.


જીવાત ખિલાફ અર્ક - મહુડાનાં અર્ક


 

ભોલાભાઈ ડાભી લોકભારતી ગ્રામવિદ્યાપીઠ ના છાત્ર છે અને IRMA સાથે Verghese Kurien Rural Internship માં ઇન્ટર્ન પણ હતા. આ internship નેશનલ કોઇલિશન ફોર નચૂરલ ફાર્મિંગ (NCNF) અને આગા ખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામ (AKRSP(I)) કારણે શક્ય બની હતી .


આ બ્લોગ અનીશ મોહન દ્વારા સંપાદિત કરવામાં આવ્યો છે. તે લિવિંગ ફાર્મ ઇનકમ પ્રોજેક્ટમાં (IRMA) રિસર્ચ એસોસીએટ રીતે છે.

Comments


bottom of page